પચાસ વર્ષની ઉંમરે ખુશ રહેવાનું શીખ્યો!

આજે કેમ ઉદાસ છે

પચાસ વર્ષની ઉંમરે ખુશ રહેવાનું શીખ્યો!

ગુજ્જુમિત્રો, હાલમાં મને એક બહુ સુંદર લેખ વાંચવા મળ્યો જેમાં એક પચાસ વર્ષની ઉંમરની વ્યક્તિએ બહુ હ્ર્દયસ્પર્શી વાત કહી હતી. આ વ્યક્તિનું નામ તો નહોતું લખ્યું પણ તેમની વાત મને બહુ જ ગમી ગઈ અને વિચાર્યું કે હું મારા ગુજ્જુમિત્રો સાથે આ શેર કરીશ. દરેક સામાન્ય વ્યક્તિની જેમ તેમણે પણ પોતાનું જીવન મોટી મોટી ઈચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓને પૂરી કરવા માટે ખર્ચી કાઢ્યું હતું.

તેમના પચાસમાં વર્ષે જ્યારે તેમણે પાછું ફરીને પોતાનું જીવન જોયું , તો સમજાયું કે જીવનની આ રેસમાં તેમણે બધું જ પ્રાપ્ત કર્યું પણ ખુશ રહેતા ના શીખ્યા. અને તેમણે પોતાના સ્વભાવમાં અમુક નાના નાના પરિવર્તન લાવવાનું વિચાર્યું. અને પરિણામ શું આવ્યું? તેઓ કહે છે કે હું પચાસ વર્ષની ઉંમરે ખુશ રહેવાનું શીખ્યો! ચાલો વાંચીએ કે આ પરિવર્તનો શું હતાં.

50th Birthday Cake

૧) વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતો નથી. વ્યક્તિના વિચાર, વાણી અને વર્તનથી ખેંચાતો થયો છું.

૨) ખુદના માટે સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી. મારા પરિવાર સાથે ખુદને પણ પ્રેમ કરવા લાગ્યો છું.

૩) નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.

૪) ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમ જ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.

૫) રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું. એમનો વેપાર કરવાનો ઉત્સાહ વધતો જોઈ આનંદ થાય છે.

૬) કોઈ ધાર્મિક સ્થળે દાન આપી પોતાના નામની તકતી મરાવવા કરતાં નાના બાળકોને જમાડવા કે મદદ કરવી અને અબોલ પશુ પક્ષીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા કરવામાં વધારે ખુશી મળે છે.

૭) વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.

૮) ખ્યાલ હોય કે વ્યક્તિ ખોટો છે તો એકાદ વાર સમજાવું પણ વારંવાર એની ભૂલ સુધારવાનું બંધ કરી દીધું છે. દરેકને ખોટું ન કરતા અટકાવવાનો ઠેકો નથી લીધો. ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.

૯) સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.

૧૦) બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાય ગયું છે.

૧૧) હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતો કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.

૧૨) જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. હરિફાઈ ખુદ સાથે ખુદને કંડારવાની છે.

૧૩) લાગણીઓની અભિવ્યક્તિ કરતા ક્યારેય શરમાવું નહી એ શીખી લીધું છે. એ લાગણીઓને દાબી રાખી મારી નાખવા કરતાં અભિવ્યક્તિ સરળ છે.

૧૪) હુસાતુસી માં સંબંધો તોડવા કરતાં થોડો સમય આપતા શીખી ગયો છું. મોટેભાગે સમય સાથે સબંધોમાં પડેલી તિરાડ પૂરાઈ જતી જોઈ છે.

૧૫) હું એ જ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.

૧૬) ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું અને રહેવુ ગમે છે. જંક અને થાઈ ફૂડ કરતાં માખણ અને બાજરાના રોટલા જેવા ભારતીય ખોરાકમાં સંતોષ થાય છે.

૧૭) પોતાના પર બિનજરૂરી હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો કે હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.

૧૮) ધાર્મિક જડતા અને કટ્ટરતા કરતાં વ્યવહારુ તર્કસંગતતા ગમવા લાગી છે. ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં વાંચવા લાગ્યો છું.

૧૯) હું ખુદને પ્રેમ કરવા લાગ્યો છું.

Click here to read more inspirational posts.

You may also like...

1 Response

  1. NITIN says:

    Very nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *